લૂમની લાઇટનો ખર્ચ: એક મીટર પર કેટલો, કેવી રીતે ઘટાડવો

લાઇટનું બિલ દર મહિને આવે, પણ સાચો સવાલ છે — એક મીટર કાપડ પર લાઇટ કેટલાની પડી? આ જ આંકડો કોસ્ટિંગ અને જોબના ભાવમાં જાય છે.

યાર્ન પછી વીવિંગ યુનિટનો સૌથી મોટો રોજનો ખર્ચ ઘણી વાર લાઇટ હોય છે. બિલ આખા યુનિટનું આવે, એટલે ઘણા યુનિટમાં ખબર જ નથી હોતી કે એક મીટર પર કેટલી લાઇટ લાગી. આ ગાઇડમાં ફોર્મ્યુલા, પૂરું ઉદાહરણ, બિલથી સાચો લોડ કાઢવો અને ખર્ચ ઘટાડવાના રસ્તા જોઈશું.

ફોર્મ્યુલા

લાઇટ યુનિટ (kWh)માં વેચાય: 1 kWનો લોડ 1 કલાક ચાલે તો 1 યુનિટ.

યુનિટ પ્રતિ દિવસ = kW × કલાક × લૂમ
₹ પ્રતિ દિવસ = યુનિટ × ₹ પ્રતિ યુનિટ
₹ પ્રતિ મીટર = ₹ પ્રતિ દિવસ ÷ (એક લૂમના રોજના મીટર × લૂમ)
₹ પ્રતિ મહિનો = ₹ પ્રતિ દિવસ × દિવસ

ઉદાહરણ

24 વોટરજેટ લૂમ, દરેક લૂમનો લોડ 2.5 kW, રોજ 24 કલાક. લાઇટ ₹8 પ્રતિ યુનિટ — ફક્ત ઉદાહરણ રેટ, તમારા બિલનો રેટ લો. દરેક લૂમ રોજ 373 મીટર (600 RPM, 50 પિક, 85%, 12 કલાકની બે શિફ્ટ).

  • યુનિટ પ્રતિ દિવસ: 2.5 × 24 × 24 = 1,440 યુનિટ
  • ₹ પ્રતિ દિવસ: 1,440 × 8 = ₹11,520
  • રોજના મીટર: 373 × 24 = 8,952 m
  • ₹ પ્રતિ મીટર: 11,520 ÷ 8,952 = ₹1.29
  • મહિનો (30 દિવસ): 11,520 × 30 = ₹3,45,600

તમારા આંકડા Power cost per metre કેલ્ક્યુલેટરમાં નાખો. રોજના મીટર ખબર ન હોય તો પહેલાં Loom Production કેલ્ક્યુલેટરથી કાઢો.

સાચો લોડ બિલથી કાઢો

મોટર પર લખેલો kW સાચો લોડ નથી — લૂમ ક્યારેક ઓછું, ક્યારેક વધારે ખેંચે. સૌથી સાચી રીત: એક લૂમ પર સબ-મીટર. ન હોય તો મહિનાના બિલથી:

સાચો kW પ્રતિ લૂમ = મહિનાના યુનિટ ÷ લૂમ ÷ દિવસ ÷ રોજના કલાક

ઉદાહરણ

બિલમાં 43,200 યુનિટ, 24 લૂમ, 30 દિવસ, 24 કલાક: 43,200 ÷ 24 ÷ 30 ÷ 24 = 2.5 kW પ્રતિ લૂમ. એમાં લાઇટ, પંખા અને પંપ પણ આવી જાય — એ જ બરાબર છે, કારણ કે આ ખર્ચ પણ કાપડ પર જ પડે.

બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફિક્સ / ડિમાન્ડ ચાર્જ અને ડ્યુટી પણ હોય. એટલે એક બીજો ચેક: બિલની કુલ રકમ ÷ મહિનાના કુલ મીટર. માની લો બિલ ₹3,60,000 (ઉદાહરણ) અને મીટર 8,952 × 30 = 2,68,560 — તો સાચી લાઇટ ₹1.34 પ્રતિ મીટર, ફક્ત યુનિટ રેટવાળા ₹1.29 કરતાં વધારે.

કોમ્પ્રેસર અને પંપનો ભાગ

એરજેટમાં લાઇટનો મોટો ભાગ કોમ્પ્રેસર ખાય છે. કોમ્પ્રેસરના યુનિટ (સબ-મીટરથી) ચાલુ એરજેટ લૂમમાં વહેંચો અને દરેક લૂમના kWમાં ઉમેરો — નહીં તો એરજેટનું કોસ્ટિંગ બહુ ઓછું આવશે. વોટરજેટમાં પાણીનો પંપ, ફિલ્ટર અને ટ્રીટમેન્ટની મોટર પણ ચાલે; એનો ભાગ પણ લૂમ પર વહેંચો. બંનેનો સાચો ભાગ લૂમના મોડેલ અને સેટઅપ પર આધાર રાખે — તમારા મીટરથી માપો, અંદાજ ન લગાવો. ફરક સમજવા વોટરજેટ vs એરજેટ ગાઇડ જુઓ.

એફિશિયન્સી ઘટે તો મીટર દીઠ લાઇટ વધે

એ જ લૂમ 85%ને બદલે 75% પર ચાલે તો રોજનું મીટર 373થી ઘટીને 329.18 m. લાઇટ લગભગ એટલી જ — કોમ્પ્રેસર, પંપ, લાઇટ ચાલુ જ રહે. મીટર દીઠ: એક લૂમના રોજના ₹480 ÷ 329.18 = ₹1.46, એટલે દરેક મીટર પર ₹0.17 વધારે. એટલે લાઇટ બચાવવાનો સૌથી મોટો રસ્તો ઘણી વાર એફિશિયન્સી વધારવી છે.

લાઇટ ઘટાડવાના રસ્તા

  1. ખાલી લૂમ બંધ. બીમની રાહ હોય કે મિકેનિકની, લૂમ અને એનો પંપ / હવાની લાઇન બંધ કરો.
  2. હવાનું લીકેજ. એરજેટમાં લીકેજથી કોમ્પ્રેસર કામ વગર ચાલે. રાત્રે લૂમ બંધ હોય ત્યારે પાઇપલાઇનનો અવાજ સાંભળો.
  3. જરૂર જેટલું પ્રેશર. કોમ્પ્રેસરનું પ્રેશર જરૂર કરતાં વધારે રાખશો તો લાઇટ વધારે. લૂમની કંપનીની સેટિંગ પ્રમાણે રાખો.
  4. પાવર ફેક્ટર. બિલ પર પાવર ફેક્ટર જુઓ. ઓછો હોય તો પેનલ્ટી લાગી શકે — કેપેસિટર / પેનલની તપાસ ઇલેક્ટ્રિશિયન પાસે કરાવો. તમારા કનેક્શનનો નિયમ લાઇટ કંપનીના ટેરિફમાં હોય.
  5. મેન્ટેનન્સ. ઢીલો બેલ્ટ, સૂકા બેરિંગ અને ગંદું ફિલ્ટર મોટર પર લોડ વધારે. ઓઇલ અને સફાઈ નક્કી દિવસે.
  6. કોન્ટ્રેક્ટ લોડ. જેટલો લોડ જોઈએ એટલો લો — બહુ વધારે તો ફિક્સ ચાર્જ નકામો, બહુ ઓછો તો પેનલ્ટી. ટેરિફ તમારા બિલથી સમજો.
  7. લાઇટ અને પંખા. જૂના બલ્બ અને ટ્યુબ LEDથી બદલો — નાનો ખર્ચ, દર મહિને બચત.

સામાન્ય ભૂલો

Loomiro માં

Loomiroના Costingમાં લૂમનો kW અને લાઇટનો ₹ પ્રતિ યુનિટ એક વાર ડિફોલ્ટ બનાવી દો. RPM, એફિશિયન્સી અને શિફ્ટના કલાકથી લૂમના રોજના મીટર નીકળે, અને એના પર લાઇટ ₹ પ્રતિ મીટર — યાર્ન, પગાર, ઓવરહેડ સાથે પૂરા બ્રેકડાઉનમાં. "જો…" ટેબલમાં દેખાય કે એફિશિયન્સી બદલાય તો કોસ્ટ કેટલી બદલાશે.

આ ગાઇડના kW, ₹8 પ્રતિ યુનિટ અને બિલની રકમ ફક્ત ઉદાહરણ છે. તમારા બિલ અને મીટરના આંકડા લો; ટેરિફના નિયમ લાઇટ કંપની પાસે પાકા કરો.

આ ગાઇડના કેલ્ક્યુલેટર

બીજી ગાઇડ

તમારા યુનિટને Loomiro પર લાવો.

જૂના સોફ્ટવેરનો ડેટા અમે લઈ આવીશું. એક ડેમોમાં તમારા જ યુનિટના આંકડા પર બતાવીશું કે કેવી રીતે ચાલશે.

અથવા સીધી WhatsApp પર વાત કરો →