જોબ વર્કમાં યાર્ન પાર્ટીનું હોય — તમારો ખર્ચ "કન્વર્ઝન"નો છે: કાપડ વણવાનો. એટલે જોબનો ભાવ યાર્નના રેટથી નહીં, તમારા લૂમના એક દિવસના ખર્ચથી બને. એ જ ખર્ચ મીટર પર વહેંચો, વેસ્ટેજ અને નફો ઉમેરો, અને પછી ₹ પ્રતિ મીટર કે પૈસા પ્રતિ પિકમાં કહો.
તમારો ખર્ચ પ્રતિ મીટર
પહેલાં એક લૂમનું રોજનું મીટર કાઢો:
પછી દરેક ખર્ચને ₹ પ્રતિ મીટરમાં બદલો:
- પગાર: વીવરનો રેટ પ્રતિ મીટર (કે લાખ પિકનો રેટ મીટરમાં બદલીને) — કારીગર પગાર કેલ્ક્યુલેટર.
- લાઇટ: kW × કલાક × ₹ પ્રતિ યુનિટ ÷ રોજના મીટર — લાઇટ ગાઇડ.
- ઓવરહેડ: ભાડું, મુનિમ-સુપરવાઇઝર-મિકેનિકનો પગાર, સ્પેર, પાણી, નાના ખર્ચ — પ્રતિ લૂમ પ્રતિ મહિનો ÷ દિવસ ÷ રોજના મીટર.
- ઘસારો (depreciation): લૂમ અને મશીનરીની કિંમત ધીમે-ધીમે વસૂલ કરવાની છે. દરેક લૂમનો મહિનાનો એક ભાગ અલગ રાખો.
- બીમનું કામ: ભીડાણ, પાસર, ડ્રોપર — જો તમારા ખર્ચે હોય — બીમનો ખર્ચ ÷ બીમના કાપડના મીટર.
- બાકી: મેન્ડિંગ, ફોલ્ડિંગ, પેકિંગ, ટ્રાન્સપોર્ટ — પ્રતિ મીટર.
ઉદાહરણ
ક્વોલિટી 50 પિક, લૂમ 600 RPM, 85% એફિશિયન્સી, 12 કલાકની બે શિફ્ટ. રોજનું મીટર: 600 × 60 × 24 × 0.85 ÷ (50 × 39.37) = 373.08 m. નીચેના બધા ખર્ચ ફક્ત ઉદાહરણ છે — તમારા યુનિટના આંકડા નાખો.
| ખર્ચ | હિસાબ | ₹ / મીટર |
|---|---|---|
| પગાર | ₹0.80 પ્રતિ મીટર | 0.80 |
| લાઇટ | 2.5 kW × 24 × ₹8 = ₹480 ÷ 373.08 | 1.29 |
| ઓવરહેડ | ₹9,000 / લૂમ / મહિનો ÷ 30 = ₹300 ÷ 373.08 | 0.80 |
| ઘસારો | ₹12,000 / લૂમ / મહિનો ÷ 30 = ₹400 ÷ 373.08 | 1.07 |
| બીમનું કામ | ₹1,200 પ્રતિ બીમ ÷ 6,000 m | 0.20 |
| મેન્ડિંગ, ફોલ્ડિંગ | પ્રતિ મીટર | 0.10 |
| કુલ ખર્ચ | 4.26 |
- વેસ્ટેજ: 2% મીટર ફેન્ટ કે B ગ્રેડમાં જાય જેનો પૂરો ભાવ ન મળે → 4.26 ÷ 0.98 = ₹4.35
- નફો 15% (ભાવ પર): 4.35 ÷ 0.85 = ₹5.12 પ્રતિ મીટર
- પૈસા પ્રતિ પિકમાં: 5.12 × 100 ÷ 50 = 10.24 પૈસા — ભાવ 10.5 પૈસા પ્રતિ પિક
- 10.5 પૈસા પર: 50 × 10.5 ÷ 100 = ₹5.25 પ્રતિ મીટર, એટલે ₹266.70 પ્રતિ લાખ પિક
- એક લૂમની કમાણી: 5.25 × 373.08 = ₹1,958.65 રોજ, 30 દિવસમાં લગભગ ₹58,759
આ જ કન્વર્ઝન Job rate કેલ્ક્યુલેટરમાં કરીને જુઓ — પૈસા પ્રતિ પિક, ₹ પ્રતિ લાખ પિક અને ₹ પ્રતિ મીટર ત્રણે સાથે.
પ્રતિ મીટર કે પ્રતિ પિક?
લાઇટ, ઓવરહેડ અને ઘસારો સમયના ખર્ચ છે — લૂમ એક દિવસ ચાલે તો એટલા જ. વધારે પિકવાળી ક્વોલિટી પર રોજના મીટર ઘટે, એટલે આ ખર્ચનો મીટર દીઠ ભાગ વધે. એટલે સુરતમાં જોબનો ભાવ ઘણી વાર પૈસા પ્રતિ પિકમાં બોલાય છે.
ઉદાહરણ
એ જ લૂમ 60 પિક પર: રોજના મીટર 373.08 × 50 ÷ 60 = 310.90 m. 10.5 પૈસા પ્રતિ પિક = 60 × 10.5 ÷ 100 = ₹6.30 પ્રતિ મીટર, અને રોજની કમાણી 6.30 × 310.90 = ₹1,958.67 — પહેલાં જેટલી જ (ફરક ફક્ત રાઉન્ડિંગનો). ₹5.25 પ્રતિ મીટર ફિક્સ રાખ્યો હોત તો રોજ ફક્ત લગભગ ₹1,632.
ધ્યાન રાખો: "પૈસા પ્રતિ પિક"નો અર્થ અહીં ₹ પ્રતિ મીટર = PPI × પૈસા ÷ 100 છે. દરેક પાર્ટી કે દલાલ આ રીતે નથી ગણતા — રીત એક વાર લેખિતમાં પાકી કરો.
ભાવ આપતા પહેલાંની ચેકલિસ્ટ
- ક્વોલિટી: રીડ, પિક, પન્નો, તાણા-વાણાનો denier — અને તમારા લૂમ પર આ બનશે કે નહીં (વોટરજેટ vs એરજેટ).
- બીમ: કેટલા મીટર, કેટલા તાર, ક્યારે આવશે — બીમની રાહમાં ખાલી લૂમનો ખર્ચ કોણ ઉપાડશે?
- ભીડાણ, પાસર અને ડ્રોપરનો ખર્ચ કોનો.
- વાણાનું યાર્ન: કેટલું આવશે, વેસ્ટેજ કેટલું ગણાશે, બચેલું યાર્ન પાછું કેવી રીતે.
- ફેન્ટ, B ગ્રેડ, વજન કે મીટર ઓછું આવે તો શું નિયમ.
- રેટની રીત (પ્રતિ મીટર / પ્રતિ પિક / પ્રતિ લાખ પિક) અને મીટર કેવી રીતે મપાશે.
- પેમેન્ટ કેટલા દિવસમાં — મોડાનું વ્યાજ પણ ખર્ચ છે (વ્યાજ ગાઇડ).
- બિલ અને GST, TDS, અને ITC-04 — GST ગાઇડ અને ITC-04 ગાઇડ વાંચો.
સામાન્ય ભૂલો
- ફક્ત પગાર અને લાઇટ ગણવા. ઓવરહેડ અને ઘસારો છોડ્યા તો ભાવ "બરાબર" લાગશે અને વર્ષના અંતે પૈસા નહીં બચે.
- 100% એફિશિયન્સી પર મીટર ગણવા. સાચી એફિશિયન્સીથી રોજના મીટર લો — એફિશિયન્સી ગાઇડ.
- દરેક પિકની ક્વોલિટી પર એક જ ₹ પ્રતિ મીટર. વધારે પિક પર નુકસાન.
- ખાલી લૂમ ભૂલી જવા. પાર્ટીનું બીમ મોડું આવ્યું તો પણ ભાડું અને પગાર ચાલુ રહે.
- નફો ખર્ચ પર ઉમેરવો, ભાવ પર વિચારવો. 4.35 પર 15% ઉમેરો તો ₹5.00 આવે, પણ ભાવનો 15% નફો જોઈએ તો ₹5.12 જોઈએ.
Loomiro માં
પાર્ટીનું બીમ Beam Stockમાં સોર્સ "Job" સાથે આવે, અને એનું વાણાનું યાર્ન Job Party Stockમાં — બચેલું યાર્ન "Job yarn wapas"થી પાછું જાય. એ બીમના ટાકાથી Job Work Bill બને, અને જોબ વર્કનું ITC-04 CSVમાં. Costingમાં લાઇટ, પગાર, ઓવરહેડ, બીમ અને બાકી ખર્ચ નાખો — કન્વર્ઝન ₹ પ્રતિ મીટર અને જોબ ભાવ પૈસા પ્રતિ પિક સીધા દેખાય. ઘસારાને ઓવરહેડમાં ઉમેરી દો.
આ ગાઇડના બધા ખર્ચ, રેટ અને નફો ફક્ત ઉદાહરણ છે — બજારનો ભાવ નથી. તમારા યુનિટના આંકડાથી હિસાબ કરો.