સુરતના વીવિંગ યુનિટનો સૌથી મોટો ખર્ચ ઘણી વાર લૂમ કે વીજળી નહીં, અટકેલા પૈસા છે. દર મહિને યાર્ન, વીજળી અને પગાર સમયસર આપવા પડે, પણ ગ્રેના પૈસા 30, 60, ક્યારેક 90 દિવસે આવે. ₹40 લાખ બજારમાં ફસાયા હોય તો એ પૈસા તમારા કામમાં નથી આવતા. આ ગાઇડમાં સીધી રીત છે: આઉટસ્ટેન્ડિંગને ઉંમર (aging) પ્રમાણે જુઓ, દરેક પાર્ટીની લિમિટ રાખો, અને રસીદ સાચા બિલ પર લગાડો.
આઉટસ્ટેન્ડિંગને ઉંમર પ્રમાણે વહેંચો
ફક્ત "કુલ બાકી ₹40 લાખ"થી કંઈ ખબર નથી પડતી. એ જ ₹40 લાખ બધા 15 દિવસ જૂના હોય તો બરાબર, અને અડધા 90 દિવસ જૂના હોય તો જોખમ. એટલે બાકીને bucketsમાં જુઓ. દિવસ બે રીતે ગણી શકાય — બિલ તારીખથી, કે ડ્યૂ ડેટ (બિલ તારીખ + ક્રેડિટ દિવસ)થી. ડ્યૂ ડેટથી ગણવું વધુ ચોખ્ખું, કારણ કે ત્યારે "મોડું" એટલે ખરેખર મોડું.
મોડા દિવસ = આજ − ડ્યૂ ડેટ
Bucket: ડ્યૂ નહીં · 1–30 દિવસ · 31–60 દિવસ · 60+ દિવસ
- ડ્યૂ નહીં — હજી સમય છે. કંઈ કરવાનું નથી.
- 1–30 દિવસ મોડું — એક યાદ અપાવો. ઘણી વાર ભૂલ કે રોકડની તંગી હોય.
- 31–60 દિવસ — ફોન કરો, પેમેન્ટની તારીખ લો, નવો માલ વિચારીને આપો.
- 60+ દિવસ — નવો માલ રોકો, વ્યાજની વાત કરો, દલાલને સાથે લો.
ઉદાહરણ
આજે 01-11-2026. પાર્ટી "A" (ક્રેડિટ 30 દિવસ)ના ચાર બિલ બાકી છે:
| બિલ તારીખ | ડ્યૂ ડેટ | બાકી | મોડા દિવસ | Bucket |
|---|---|---|---|---|
| 15-10-2026 | 14-11-2026 | ₹1,20,000 | — | ડ્યૂ નહીં |
| 20-09-2026 | 20-10-2026 | ₹95,000 | 12 | 1–30 |
| 25-08-2026 | 24-09-2026 | ₹80,000 | 38 | 31–60 |
| 10-07-2026 | 09-08-2026 | ₹60,000 | 84 | 60+ |
કુલ બાકી ₹3,55,000, જેમાં ₹2,35,000 મોડા છે અને ₹60,000 તો 84 દિવસ જૂના. પાર્ટીની ક્રેડિટ લિમિટ ₹3,00,000 છે — લિમિટ ક્રોસ. પછીનો ઓર્ડર આવે તો પહેલાં 60+વાળું બિલ ક્લિયર કરાવો.
84 દિવસવાળા ₹60,000 પર 1.5% પ્રતિ મહિને વ્યાજ: ₹60,000 × 1.5% × 84 ÷ 30 = ₹2,520 (ગ્રેસ ન હોય તો). તમારા આંકડા વ્યાજ કેલ્ક્યુલેટરમાં નાખીને જુઓ.
ક્રેડિટ દિવસ અને ક્રેડિટ લિમિટ — પહેલેથી નક્કી કરો
- ક્રેડિટ દિવસ દરેક પાર્ટી સાથે પહેલા દિવસે લખીને નક્કી કરો, અને બિલ પર છાપો. "હંમેશાં જેવું" સૌથી મોટા ઝઘડાનું મૂળ છે.
- ક્રેડિટ લિમિટ (₹) — પાર્ટી પર એક સાથે કેટલું બાકી ચાલશે. નવી પાર્ટીને નાની લિમિટ, જૂની ભરોસાપાત્રને મોટી.
- ઓવરડ્યૂ દિવસની લિમિટ — જેમ કે "60 દિવસથી જૂનું બિલ બાકી હોય તો નવો માલ નહીં". રૂપિયાની લિમિટ સાથે આ બીજું તાળું.
- લિમિટ ક્રોસ થાય તો નવું બિલ ફક્ત માલિક કે મેનેજરની હા પછી.
રિમાઇન્ડર — દર અઠવાડિયે, એક જ દિવસે
સૌથી કામની ટેવ: દર સોમવારે આઉટસ્ટેન્ડિંગ ખોલો, 1–30 અને 31–60વાળી પાર્ટીને રિમાઇન્ડર મોકલો. રિમાઇન્ડરમાં બિલ નંબર, તારીખ, બાકી અને કુલ — ચોખ્ખું લખેલું હોય, જેથી પાર્ટીનો મુનીમ તરત મેળવી શકે. ગુસ્સો નહીં, ફક્ત હિસાબ. જે પાર્ટી દર અઠવાડિયે પોતાનો હિસાબ જુએ, એ ઘણી વાર સમયસર આપે.
રસીદ બિલ પ્રમાણે લગાડો
પાર્ટી ₹1,00,000 મોકલે તો એ કયા બિલના છે, એ લખવું જરૂરી. સામાન્ય રીત: સૌથી જૂનું બિલ પહેલાં. પાર્ટી કોઈ ખાસ બિલના પૈસા મોકલે, તો એ જ બિલ પર લગાડો. જે બચે એ "on account" (એડવાન્સ)માં, જે પછીના બિલ પર લાગશે.
- પાર્ટીએ TDS કાપ્યો કે કસર / ડિસ્કાઉન્ટ કાપ્યું — એ પણ એ જ બિલની સામે લખો, નહીં તો નાના-નાના બાકી વર્ષો સુધી લટકે.
- બિલ વગરની "on account" રસીદ બહુ રાખશો તો aging ખોટું દેખાશે — પૈસા આવી ગયા છતાં જૂનું બિલ બાકી દેખાશે.
વ્યાજ — એક નોંધ
મોડા પેમેન્ટ પર વ્યાજ લેવું હોય તો દર અને ગ્રેસ દિવસ પહેલેથી નક્કી કરો અને બિલ પર લખો. વ્યાજનો પૂરો હિસાબ, અડધા પેમેન્ટ સાથે, વ્યાજ અને ક્રેડિટ દિવસ ગાઇડમાં છે.
સામાન્ય ભૂલો
- ફક્ત કુલ બાકી જોવું. ઉંમર જુઓ — 60+વાળા ₹1 લાખ, 15 દિવસવાળા ₹5 લાખ કરતાં વધુ જોખમી છે.
- રસીદ બિલ પર ન લગાડવી. પછી પાર્ટી કહે "એ બિલ તો આપી દીધું હતું", અને તમારી પાસે પુરાવો નહીં.
- લિમિટ ફક્ત મોઢે. ઓર્ડર આવતાં જ લિમિટ ભુલાઈ જાય. માસ્ટરમાં લખો.
- રિમાઇન્ડર ક્યારેક જ. મહિને એક ગુસ્સાવાળો ફોન કામ નથી કરતો; દર અઠવાડિયાની નાની યાદ કરે છે.
- TDS / કસરનું નાનું બાકી છોડી દેવું. ₹880 અહીં, ₹440 ત્યાં — વર્ષના અંતે હજારોની ગડબડ.
Loomiro આમાં કેવી રીતે મદદ કરે
Hisaab-Kitaabનું Outstanding પેજ દરેક પાર્ટીનું બાકી ડ્યૂ ડેટ પ્રમાણે ચાર ભાગમાં બતાવે — ડ્યૂ નહીં, 1–30, 31–60, 60+ દિવસ. કોઈ bucket પર દબાવો તો ફક્ત એ બિલ; પાર્ટી પર દબાવો તો બિલ પ્રમાણે લિસ્ટ, મોડા દિવસ અને આજ સુધીનું વ્યાજ. પાર્ટી માસ્ટરમાં ક્રેડિટ લિમિટ (₹) અને ઓવરડ્યૂ દિવસની લિમિટ (ખાલી રાખો તો યુનિટની) રાખી શકો; લિમિટ ક્રોસવાળી પાર્ટી અલગ દેખાય, અને નવા બિલ પર Loomiro રોકે — ફક્ત "Limit cross" પરમિશનવાળા "Phir bhi banao" કરી શકે. "Reminder bhejo"થી WhatsApp પર પાર્ટીના બધા બાકી બિલ, વ્યાજ અને કુલનો મેસેજ, તમારી ફર્મના નામે, એક ટૅપમાં. "Receipt likho"માં રકમ નાખો અને "Auto" દબાવો — જૂનાં બિલ પહેલાં લાગે; TDS અને કસર એ જ બિલની સામે, અને બચેલા પૈસા on account. આ જ પેજ payable બાજુ પણ છે — કયા યાર્ન સપ્લાયરને કેટલું આપવાનું બાકી.